એવિએશન અને રેસિંગ ફ્યુઅલનું ઉત્પાદન કરનારી દેશની પ્રથમ વડોદરા રિફાઈનરી

Wednesday 30th April 2025 06:47 EDT
 
 

વડોદરાઃ ઇન્ડિયન ઓઇલની ગુજરાત રિફાઇનરી AVGAS 100LLનું ઉત્પાદન કરનારી પ્રથમ ભારતીય રિફાઇનરી બની છે, જે એક ઉડ્ડયન અને રેસિંગ ફ્યુઅલ છે. આ ફ્યુઅલને અગાઉ આયાત કરાતું હતું. જો કે હવે સફળ સ્થાનિક પ્રમાણપત્ર સાથે ઇન્ડિયન ઓઇલે શ્રીલંકા અને પાપુઆ ન્યૂ ગિની અને ઇન્ડોનેશિયામાં AVGAS ISO-કન્ટેનરનો ઉપયોગ કરીને કન્સાઇન્મેન્ટ મોકલ્યું છે. આનાથી ભારત AVGAS 100 LL ઇંધણના આયાતકારથી નિકાસકાર તરફ આગળ વધ્યું છે.
ગુજરાત રિફાઇનરીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને હેડ બિપ્લબ બિસ્વાસે આ અંગેની જણાવ્યું કે, ભારતીય સશસ્ત્ર દળોને સ્વદેશી AVGAS 100LLના પુરવઠા માટે ગુજરાત રિફાઇનરીએ સેન્ટર ફોર મિલિટરી એરવર્થિનેસ એન્ડ સર્ટિફિકેશન (CEMILAC)ની મંજૂરી મેળવી છે. ગુજરાત રિફાઇનરીએ ISO-કન્ટેનર દ્વારા જથ્થાબંધ ગ્રાહકોને AVGAS 100LL મોકલીને તેની ક્ષમતા સાબિત કરી છે. ISO-કન્ટેનર દ્વારા AV ગેસોલિન ઉત્પાદનનું પ્રથમ ડિસ્પેચ 17 ફેબ્રુઆરીએ ઇન્ડોનેશિયાની નેશનલ ઓઇલ કંપની PERTAMINA માટે નિકાસ પાર્સલ માટે સફળતાપૂર્વક કરાયું છે.
ભારતની આત્મનિર્ભરતાને વેગ આપશે
બિસ્વાસે જણાવ્યું કે, મુખ્ય પેટ્રોકેમિકલ હબ બનવા ગુજરાત રિફાઇનરી ટેક્નોલોજીમાં વધારો કરી રહી છે. 2021માં રિફાઇનરીએ ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર કર્યા છે. જેમાં વિવિધ પ્રોજેક્ટ્સમાં રૂ. 24 હજાર કરોડના રોકાણ માટે પ્રતિબદ્ધતા દર્શાવાઈ છે. આમાં પેટ્રોકેમિકલ અને લ્યૂબ ઇન્ટિગ્રેશન પ્રોજેક્ટ અને એક્રેલિક્સ-ઓક્સો આલ્કોહોલ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જે કમિશનિંગ પર પેટ્રોકેમિકલ અને વિશેષ ઉત્પાદનોમાં ભારતની આત્મનિર્ભરતાને વેગ આપશે.


comments powered by Disqus